schema:text
| - Authors
Claim: અમેરિકાના કૅલિફોર્નિયામાં આવેલા જંગલોમાં વિકરાળ આગમાં પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયરકર્મીનો વીડિયો
Fact: વીડિયો AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ દ્વારા બનાવવામાં આવેલો છે. વાસ્તવિક નથી.
તાજેતરમાં અમેરિકાના કૅલિફોર્નિયામાં જંગલમાં આગ ફાટી નીકળતા 25 લોકોનાં મોત થયા હતા જ્યારે 40 હજાર એકડની જમીન બળી ગઈ છે.
દરમિયાન, સોશિયલ મીડિયા પર અમેરિકાના કૅલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો સાથે અને કૅપ્શનમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાજેતરમાં અમેરિકાના કૅલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો આ વીડિયો છે.”
સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા જંગલોમાં વિકરાળ આગ લાગી છે. આ ભયાનક આગ ની ઝપેટ માં પ્રકૃતિ અને પ્રાણીઓ બંને ભુંજાયા છે, આ ભયંકર આગ ને બુઝાવવા કર્મચારીઓ ખૂબ જ મથી રહ્યા છે. સાથે-સાથે વન્ય પ્રાણીઓનુ રેસ્ક્યું પણ કરી રહ્યા છે. પરંતુ આમાં સુંદર વાત એ છે કે જે પ્રાણીઓને આપણે હિંસક કહી તેમનાથી અંતર જાળવીએ છીએ તે ખરા અર્થ માં કેટલા કેટલા સુંદર હોય છે તે તો આ વીડિયો પરથી જ ખબર પડે.”
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
Fact Check/Verification
વાઇરલ વીડિયોની તપાસ માટે અમે સૌપ્રથમ વીડિયોના કીફ્રેમને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી સ્કૅન કરી સર્ચ કર્યાં. જેમાં અમને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પ્રાપ્ત થઈ.
ઇસ્ટાગ્રામ યુઝર @futureriderus દ્વારા 11 જાન્યુઆરી-2025ના રોજ આ વીડિયો અપલૉડ કરવામાં આવ્યો હતો. (પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ)
વીડિયો પોસ્ટ સાથે યુઝરે સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે કે, આ વીડિયો વાસ્તવિક નથી. પરંતુ તે એઆઈ (AI) દ્વારા બનાવવામાં આવેલો છે.
પોસ્ટ થયેલા વીડિયોને જોઈને ઘણા યુઝર ચર્ચા કરી રહ્યા હતા. જોકે, યુઝર જેણે વીડિયો તૈયાર કર્યો છે તેમણે સ્પષ્ટતા કરેલ છે કે ખરેખર એઆઈ દ્વારા એ વીડિયો બનાવવામાં આવેલો છે.
વીડિયો મામલે સ્પષ્ટતા કરતા @futureriderus યુઝરે લખ્યું છે, “કૉમેન્ટ કરવા બદલ સૌનો આભાર. હા આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. પરંતુ એ વાસ્તવિકતા છે કે કઈ રીતે કળાના ક્ષેત્રમાં AIનો ઉપયોગ થઈ શકે છે. આજે ભલે આને માન્યતા નથી પરંતુ આજે નહીં તો કાલે તેને માન્યતા મળી જશે. વિકરાળ આગની ભયાનકતામાં પશુ-પક્ષીઓની કેવી સ્થિતિ છે તેને દર્શાવવા માટે આ વીડિયો તૈયાર કરાયો છે. AI દ્વારા ભલે તૈયાર થયેલ છે પરંતુ તેમાં લાગણીઓ જોડાયેલી છે.”
વધુ તપાસ કરતા જોવા મળ્યું કે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કૅલિફોર્નિયામાં લાગેલી આગના અન્ય ઘણા બધા AI વીડિયો અપલૉડ કરવામાં આવ્યા હતા.
તદુપરાંત, ઊંડાણપૂર્વક તપાસ માટે અમે વીડિયોને ડીપફેક્સ એનલિસિસ યુનિટ (DAU)ને મોકલ્યો. જે મિસઇન્ફર્મેશન કૉમ્બેટ અલાયન્સ (MCA) હેઠળ કાર્યરત છે. ડીએયુ દ્વારા વીડિયો અને તેના કીફ્રેમ્સની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તેમણે સ્પષ્ટ તારણ આપ્યું છે કે, વીડિયોમાં એઆઈ જનરેટેડ એટલે કે કૃત્રિમ દૃશ્યો છે. જે સૂચવે છે કે, વીડિયો એઆઈ નિર્મિત છે.
વધુમાં અમે AI ટૂલ Hive પર પણ વીડિયોના કીફ્રેમ્સ કૉન્ટેન્ટને ચકાસ્યો. તેમાં પણ અમને તે 50 ટકાથી પણ વધુ પ્રમાણમાં AI નિર્મિત હોવાનું તારણ આપે છે.
જે પુષ્ટિ કરે છે કે, વીડિયો ખરેખર AI દ્વારા જ બનાવાયેલો છે.
Read Also : Fact Check – ભારતમાં UFO સાથે એલિયનની એન્ટ્રી થયાનો વીડિયોવાળો વાઇરલ દાવો ખોટો
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, અમેરિકાના કૅલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો વીડિયો AIની મદદથી બનાવેલો છે. તે સાચો વાસ્તવિક વીડિયો નથી.
Result – Altered Photo/Video
Sources
Instagram Post by @futureriderus dated 11th Jan-2025
Hive AI Tool
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|