schema:text
| - Last Updated on April 28, 2024 by Team THIP
સારાંશ
વરિયાળી (સૌંફ) અને બદામ આંખો માટે જાદુઈ ઔષધી છે તેવો દાવો ઘણાબધા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. અમે આ હકીકતની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ દાવો મોટે ભાગે ખોટો છે.
મોટાભાગની પરિસ્થિતિઓમાં, આહાર દ્વારા આંખોની દૃષ્ટિ ‘સુધારી’ શકાતી નથી.
દાવો
એક વેબસાઈટનો દાવો છે કે વરિયાળી અને બદામ ખાવાથી તમારી આંખોની રોશની નોંધપાત્ર રીતે સુધારી શકાય છે.
ફેક્ટ ચેક
શું બદામ અને વરિયાળી આંખના સ્વાસ્થ્ય માટે સારી છે?
હા. બદામ અને વરિયાળી બંને આંખના સ્વાસ્થ્ય માટે સારા ખોરાક છે.
પશુ-આધારિત અભ્યાસોમાં, એવું જાણવા મળ્યું છે કે વરિયાળી આંખના ગ્લુકોમામાં દબાણને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હાર્વર્ડ હેલ્થ બ્લોગની શ્રેષ્ઠ ખોરાકની યાદીમાં બદામનો ઉલ્લેખ જોવા મળે છે જે તમારી જોવાની ક્ષમતાને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.
શું બદામ અને વરિયાળી આંખોની રોશની સુધારી શકે છે?
ના. બદામ અને વરિયાળી આંખોની રોશની સુધારી શકતા નથી.
ડૉ. નવીન ગુપ્તા, DNB (ઓપ્થેલ્મોલોજી) કહે છે, “’આંખના સ્વાસ્થ્ય માટે સારું’ અને ‘દ્રષ્ટિ સુધારી શકે તેવું’ મોટા ભાગના લોકો આ તફાવત સમજી શકતા નથી. વરિયાળીમાં વિટામિન સી વધુ હોય છે જે આંખના આરોગ્યની જાળવણી માટે સારું છે.
તેવી જ રીતે, બદામમાં વિટામિન ઇ વધુ હોય છે જે ઉંમર-સંબંધિત મેક્યુલર ડીજનરેશન (AMD) અથવા મોતિયા જેવા આંખના અમુક રોગોને દૂર કરવામાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ જો આંખની રોશની સુધારવાથી તમારો મતલબ છે કે ચશ્માના નંબરની સંખ્યા ઘટાડી શકાય છે, તો તે વાત ખોટી છે. “
સંશોધન ડૉ.ગુપ્તાની વાતને સમર્થન આપે છે. સંશોધનોએ દર્શાવ્યું છે કે મોતિયા અને AMD થવાના સમય પાછળ આહારની થોડીક ભૂમિકા હોઈ શકે છે. પરંતુ તમામ શોધ પત્રના સમાન પરિણામ આવતા નથી.
આંખના સર્જન ડૉ. આફતાબ આલમ, MBBS, DO (ઓપ્થેલ્મોલોજી) કહે છે, “મોટા ભાગના છોડ આધારિત આહાર આંખની તંદુરસ્તી માટે સારા છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ દ્રષ્ટિને સુધારી શકે છે. આવા દાવાઓ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.”
આંખના રોગોના ઉપચાર અથવા આહાર દ્વારા દ્રષ્ટિ સુધારવા વિશે ખૂબ જ મર્યાદિત પુરાવા છે. જ્યારે આંખની અમુક પરીસ્થિતિઓ માટે, સારા પોષકતત્ત્વોથી ભરપૂર (કેરોટીનોઈડ્સ, વિટામીન C, અને E, સેલેનિયમ, ઝિંક) ખોરાક સ્થિતિમાં થોડો સુધારો થઈ શકે છે.
ડાયેટિશિયન અને ન્યુટ્રિશન થેરાપિસ્ટ, રંજની રામન કહે છે, “સામાન્ય રીતે વૃદ્ધ વયસ્કોમાં આંખની રોશની માટે સારો ખોરાક એવો હોય છે જે આંખો અને દ્રષ્ટિની વર્તમાન કામગીરી જાળવી રાખે છે. વૃદ્ધિના તબક્કા દરમિયાન બાળકોમાં, વિટામિન Aથી સમૃદ્ધ આ ખોરાક સારી દ્રષ્ટિ વિકસાવવામાં મદદ કરી શકે છે.
તેથી આંખની અન્ય સમસ્યાઓ માટે જેમ કે નજીકની દૃષ્ટિ, દૂરની દૃષ્ટિ, મોતિયો – તેના માટે ખોરાક અસરકારક નથી.
|