schema:text
| - Authors
Claim: મહાકુંભ જઈ રહેલા વૃદ્ધ પાસેથી ટ્રેનમાં ટીટીઈએ પૈસા છીનવી લીધાનો વાઇરલ વીડિયો
Fact: વીડિયો મહાકુંભ જઈ રહેલા વૃદ્ધનો નથી. વર્ષ 2019નો વીડિયો ખોટા દાવા સાથે વાઇરલ કરાયો છે.
પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચી રહ્યાં છે. શ્રદ્ધાળુઓ રેલવે, બસ અને હવાઈ મુસાફરી કરીને ત્યાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે. ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ સંગમસ્નાન માટે યાત્રા કરી રહ્યાં છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં રેલ્વે ટિકિટ ચેકર એક વૃદ્ધ પાસેથી પૈસા પડાવી રહ્યા છે.
વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે મહાકુંભ જઈ રહેલા ખેડૂત સાથે ટીટી દ્વારા આવું ખોટું વર્તન કરવામાં આવ્યું છે અને પૈસા પડાવી લેવાયા છે.
વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે, “મોદી સાહેબ યોગી સાહેબ ભુપેન્દ્રભાઈ જોવો એક નાનો ખેડૂત પુત્ર મહાકુંભ #mahakumbh2025 મેળા રેલવે મા જવા નીકળો પણ ટીટીએ એક દમ સાફ કરી નાખ્યો.”
વીડિયોમાં વૃદ્ધ મુસાફર ટીટીને વિનંતી કરી રહ્યા છે કે તેમને પૈસા પરત કરવામાં આવે પરંતુ ટીટી તેમાંથી કેટલાક પૈસા જ પરત કરે છે અને બાકીના પોતાની પાસે રાખી લે છે.
સમગ્ર વીડિયો ક્લિપનો દાવો છે કે, મહાકુંભ જઈ રહેલા વૃદ્ધ પાસેથી ટીટીએ પૈસા છીનવી લીધા.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
Fact Check/Verification
દાવાની તપાસમાં સૌપ્રથમ અમે વીડિયોના કી ફ્રેમ્સને રિવર્સ ઇમેજની સ્કૅન કરતા અમને કેટલાક સમાચાર અહેવાલો પ્રાપ્ત થયા.
જેમાં અમને 25 જુલાઈ-2025ના રોજ પ્રકાશિત અમર ઉજાલાનો અહેવાલ પ્રાપ્ત થયો. અહેવાલમાં જે તસવીર પ્રકાશિત કરવામાં આવી છે તે, વાઇરલ દાવાના વીડિયોના દૃશ્ય સાથે મેળ ખાય છે. તેમાં જે વૃદ્ધ અને ટીટી દેખાય છે, તે વાઇરલ વીડિયોમાં પણ દેખાય છે. જે દર્શાવે છે કે અહેવાલ વાઇરલ વીડિયોની ઘટનાનો જ છે.
વધુમાં અહેવાલ 2019માં પ્રકાશિત થયો છે, જે સ્પષ્ટ સૂચવે છે કે વીડિયો અને ઘટના ખરેખર 2019ની છે.
અહેવાલનું શીર્ષક છે – ચંદૌલી: ટ્રેનમાં ટીટીઈ દ્વારા વૃદ્ધના પૈસા છીનવી લેવાયા, વીડિયો વાઇરલ થતા સસ્પેન્ડ કરાયા
વધુમાં અહેવાલમાં લખ્યું છે, “રેલ્વે કર્મચારી વિનય સિંહને ચંદૌલી જિલ્લાના મધ્ય પૂર્વ રેલ્વે મુગલસરાય વિભાગમાં ટીટીઈ તરીકે પોસ્ટ કરવામાં આવેલ હતા. તેમણે યાત્રી પાસેથી પૈસા છીનવ્યા હોવાની વાત સામે આવી હતી જેમાં વીડિયો વાઇરલ થતા મુગલસરાય રેલ્વે ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મૅનેજર પકંજ સક્સેનાએ ટીટીઈને સસ્પેન્ડ કરી દીધી હતા.”
વધુમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પણ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં રેલ્વે વિભાગ સહિતનાને ટૅગ કરાયા હતા. તે પોસ્ટ પણ અમને પ્રાપ્ત થઈ.
પોસ્ટમાં વીડિયોના જવાબમાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય રેલ્વે ડિવિઝનના રેલ્વે મૅનેજરે લખ્યું છે કે, “સંબંધિત અધિકારી પાસે વીડિયો ક્લિપ મામલે સ્પષ્ટિકરણ માગવામાં આવ્યું. કર્મચારીએ જણાવ્યું કે ટિકિટ બનાવવા માટે મુસાફર પાસેથી પૈસા લઈ રહ્યા હતા અને ટિકિટ બનાવી હતી. વધુ તપાસ માટે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.”
તદુપરાંત, ન્યૂઝ આઉટલેટ ધી લલ્લનટોપ દ્વારા પણ આ મામલે વીડિયો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 25 જુલાઈ-2025ના રોજ પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, ટીટીઈ દ્વારા વૃદ્ધ વ્યક્તિને સીટ મામલે લાંચ લેવામાં આવી હતી. વીડિયો વાઇરલ થતા ટીટીઈને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
Read Also : Fact Check – RBI દ્વારા ₹350ની નવી નોટ ઇસ્યૂ કરાઈ હોવાની વાઇરલ તસવીરનું શું છે સત્ય?
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વીડિયો ખરેખર મહાકુંભ જઈ રહેલા મુસાફરનો નથી. જૂની ઘટનાનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result- False
Sources
News Report by Amar Ujala dated 25 July, 2019
News Report by The Lallantop dated 25 July, 2019
X Post by Pandit Deendayal Upadhyay DRM
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|