schema:text
| - Authors
Claim: દેશમાં એલિયનની યુએફઓ સાથે એન્ટ્રી
Fact: દાવો ખોટો છે. વીડિયો ખરેખર CGI (કમ્ય્યૂટર ગ્રાફિક્સ) દ્વારા નિર્મિત કરાયેલ કૃત્રિમ વીડિયો છે.
ગુજરાત એક આંતરરાષ્ટ્રીય સરહદી રાજ્ય છે. અહીં, ઘણીવાર આંતરરાષ્ટ્રીય સરહદ પાસે શંકાસ્પદ ડ્રૉન, પક્ષી સહિતની વસ્તુઓ ઉડતી નજરે પડી હોવાના અહેવાલ નોંધાતા રહે છે. વધુમાં રાજ્યની પાકિસ્તાન સરહદ પાસે ઘણી વાર યુએફઓ (અન-આઇડેન્ટીફાય ફ્લાઇંગ ઑબ્જેક્ટ) ઉડતો દેખાયાની તસવીરો, વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે.
દરમિયાન, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થયેલી ક્લિપ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં એલિયનની યુએફઓ સાથે એન્ટ્રી થઈ છે.
એક જ વીડિયો અલગ અલગ કૅપ્શન સાથે વાઇરલ થયા છે, જેમાં લખ્યું છે કે, દેશમાં, ગુજરાતમાં અથવા રાજસ્થાનમાં કે જયપુરમાં એલિયનની એન્ટ્રી થઈ છે. આમ વિવિધ સ્થળો વિશે તેમની એન્ટ્રીનો દાવો કરાયો છે.
વાઇરલ વીડિયોમાં એક યુએફઓ જેવું દેખાતું વાહન છે અને તેની આસપાસ સ્પેશ્યિયલ સાયન્ટિફિક સૂટ પહેરેલી વ્યક્તિઓ અને રિપોર્ટર્સ જોવા મળે છે. વળી તેમાં એવા પણ ફૂટેજ સામેલ કરાયા છે, જેમાં રાત્રે આકાશમાં એલિયન યુએફઓ દ્વારા ઉડી રહ્યા છે અને તેથી ભૂરા રંગની રોશની દેખાય છે. તો ભારતીય વાયુસેનાના વિમાન યુએફઓ નષ્ટ કરવા આકાશમાં ઊડી રહ્યાનું દૃશ્ય પણ છે. આ તમામ ફૂટેજ દ્વારા એ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે કે, કઈ રીતે એલિયન્સ (પરગ્રહવાસીઓ) યુએફઓ દ્વારા ધરતી પર ભારતમાં આવી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
વધુમાં વાઇરલ દાવો અમને અમારી Whatsapp ટિપલાઇન (9999499044) પર પણ મળ્યો છે, અને અમને તેની હકીકત તપાસવા વિનંતી કરવામાં આવી છે.
Fact Check/Verification
વાઇરલ વીડિયો સંબંધિત દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે ભારતમાં કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ શું એલિયન યુએફઓ દ્વારા ઊતર્યાં હોવાની પુષ્ટિ કરતા સમાચાર અહેવાલ નોંધાયા છે કે કેમ તે જાણવાની કોશિશ કરી. જોકે, ગૂગલ સર્ચ દ્વારા કરવામાં આવેલા અમારા આ પ્રયાસમાં અમને ઉપરોક્ત ઘટનાની પુષ્ટિ કરતા કોઈપણ વિશ્વસનીય સમાચાર અહેવાલો પ્રાપ્ત થયા નથી.
ત્યાર બાદ અમે વીડિયોના કીફ્રેમ્સને રિવર્સ ઇમેજની મદદથી સ્કૅન કર્યાં. જેમાં અમને, શેરોન એ. હીલ દ્વારા 15 સપ્ટેમ્બર, 2023ના રોજ લખવામાં આવેલ રિપોર્ટની લિંક પ્રાપ્ત થઈ.
લા બ્લૉગમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, “સીજીઆઈ (CGI) વીડિયોને એલિયન દ્વારા આક્રમણ તરીકે વાઇરલ કરાયો છે. વીડિયો ખરેખર વર્ષ 2020નો છે.”
વળી, તેમાં જ ફ્રાન્સ24 ચૅનલના વીડિયો સમાચાર અહેવાલની લિંક પણ પ્રાપ્ત થઈ, જેમાં વાઇરલ વીડિયોના ફૂટેજની તપાસ કરવામાં આવેલી છે. આ વીડિયોમાં 2.58 મિનિટે ન્યૂઝ ઍન્કર ઑરિજિનલ વીડિયો વિશે જણાવી રહ્યા છે, જેમાં તે સ્પષ્ટ કહે છે કે એક CGI એટલે કે કૃત્રિમ વીડિયો જેને એક આર્ટિસ્ટે તૈયાર કર્યો છે, તેને ખોટા દાવા સાથે વાઇરલ કરવામાં આવ્યો છે.
તેમાં કહેવાયું છે કે, “જેહાઈડઅવે નામના ટિકટોક યુઝર જેઓ ડિજિટલ આર્ટિસ્ટ છે અને કમ્પ્યૂટર ગ્રાફિક્સના વીડિયો બનાવે છે, તેમના દ્વારા વીડિયો પોસ્ટ કરાયો હતો.”
આ વીડિયોના દૃશ્યો જેમાં આકાશમાંથી ભૂરા રંગની રોશની પણ પ્રકાશે છે, તે વાઇરલ વીડિયો સાથેના દૃશ્યો સાથે બંધબેસે છે.
વધુમાં, વીડિયોમાં એક ગોળ આકારના એક પ્રકારના વાહન જેવા લાગતા ઑબ્જેક્ટ આસપાસ કેટલાક લોકો ઊભા છે, તે તસવીરને પણ રિવર્સ ઇમેજ થકી સ્કૅન કરી સર્ચ કરતા માલૂમ પડ્યું કે, તેના પર એક લૉગો છે. તે @sybervisionsનો લૉગો છે. તેને સર્ચ કરતા અમને @sybervisions નામનું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચૅનલ એકાઉન્ટ પ્રાપ્ત થયું. તેમની ચૅનલ તપાસતા અમને 31 ડિસેમ્બર-2024ના રોજ યુઝર દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ. પોસ્ટમાં દેખાતું દૃશ્ય વાઇરલ વીડિયોના દૃશ્ય સાથે મૅચ થાય છે. યુઝર પોતે એકાઉન્ટ વિશે લખે છે કે, તેઓ કમ્ય્યૂટર અને એઆઈની મદદથી AI-VFX વીડિયો આર્ટિસ્ટ છે. એટલે કે, તેમનું કલાત્મક કામ તેઓ અહીં પોસ્ટ કરે છે. તેઓ ખુદ સ્વિકારે છે કે, એઆઈની મદદથી તેઓ વિશ્વસ્તરીય દૃશ્યો વીડિયો તૈયાર કરે છે. આમ, આ રીતે જ એરિઝોનામાં યુએફઓ દ્વારા એલિયનની એન્ટ્રીનો વીડિયો તેમણે બનાવી પોસ્ટ કર્યો હતો.
તદુપરાંત, જ્યાં સુધી ક્લિપમાં યુએફઓની પાછળ ઇન્ડિયન ફાઇટર જેટ પડ્યા હોવાની સિક્વન્સની વાત છે તો, તે દૃશ્ય પણ સીજીઆઈની મદદથી બનેલું છે.
ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચની મદદથી તેને સ્કૅન કરતા અમને યુએફઓ સૅક્શન 15નામના યુઝર દ્વારા 19 ઑગસ્ટ-2020ના રોજ પોસ્ટ કરાયેલ યુટ્યુબ વીડિયો પ્રાપ્ત થયો.
વીડિયોનું ટાઇટલ છે – બેલ્જિયન F-16 જેટ ફાઇટર દ્વારા ડિસ્ક જેવા દેખાતા યુએફઓને આંતરવામાં આવ્યું (CGI).
યુઝરે વીડિયો ડિસ્ક્રિપ્શનમાં સ્પષ્ટ લખ્યું છે કે, “જો, બેલ્જિયન F-16 જેટ ફાઇટર દ્વારા ડિસ્ક જેવા દેખાતા યુએફઓને આંતરવામાં આવે તો કેવું દૃશ્ય દેખાશે તેનો સીજીઆઈ નિર્મિત વીડિયો. જે માત્ર મનોરંજન માટે છે.”
એટલે કે વીડિયો સાચી ઘટનાનો નથી અને કૃત્રિમ વીડિયો છે.
ઉપરોક્ત તમામ બાબતો સ્પષ્ટ કરે છે કે, વાઇરલ વીડિયો ખરેખર કમ્પ્યૂટર ગ્રાફિક્સ દ્વારા તૈયાર કરાયેલો વીડિયો છે. તેમાં દર્શાવવામાં આવેલા દૃશ્યો કોઈ સત્ય ઘટનાના નથી.
જે સૂચવે છે કે, ભારતમાં કે ગુજરાતમાં કે રાજસ્થાનમાં એલિયન્સની એન્ટ્રી થયાની વાત ખોટી છે.
Read Also : Fact Check – તિરુપતિ મંદિરના પૂજારીને ત્યાં EDની રેડમાં સોનું-હીરા મળી આવ્યા હોવાનો દાવો ખોટો
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ભારતમાં કે ગુજરાતમાં એલિયન્સની યુએફઓ દ્વારા એન્ટ્રી થઈ હોવાના વીડિયોવાળો દાવો ખરેખર ખોટો છે અને તે કૃત્રિમ વીડિયો છે. આવી કોઈ સાચી ઘટના ઘટી નથી.
Result – False
Our Sources
Report by www. sharonahill.com dated, 15th Sept, 2023
News Report by France 24 News dated, 11th Sept, 2023
You Tube video by sybervisions dated, 31st Dec, 2024
You Tube video by UFO section dated, 19th August, 2020
(અહેવાલ ન્યૂઝચેકર ઉર્દૂ દ્રારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|