schema:text
| - જાણો વંદે ભારત ટ્રેનનો કાચ તોડી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વંદે ભારત ટ્રેનનો કાચ તોડી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જેહાદીઓ હવે ટ્રેનના કાચ તોડી રહ્યા છે અને તેને નુકશાન પહોંચાડી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વંદે ભારત ટ્રેનનો કાચ તોડી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના કાંકરિયા ખાતેના ડેપોમાં સમારકામ દરમિયાન લેવામાં આવેલો છે. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 10 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આમા બોલવાં જેવું કાઈ નથી આ બધું જોતાં એવુ લાગે છે કે રાજકારણ ની રંજીશ હોય એવુ આમા આંખો દેશ આમનમ બરબાદ થઈ જસે ને 🙌🙏🙌 આપડે ખાલી સોશિયલ મીડિયા મા જોતા રેસુ ને છાજીયા લેતા રેસું અને આ જેહાદી ભુંડ સુવરો આવી રીતે દેશ ની સંપતિ ને જાહેર મા તોડફોડ કરીને આનંદ લેતા રેસે 😷😷😷😷. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જેહાદીઓ હવે ટ્રેનના કાચ તોડી રહ્યા છે અને તેને નુકશાન પહોંચાડી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો પર સ્પષ્ટીકરણ કરતી એક ટ્વિટર પોસ્ટ એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા 10 સપ્ટેમ્બર, 2024 ના રોજ કરવામાં આવી હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો વંદેભારત ટ્રેનને નુકશાન પહોંચાડવાનો નથી પરંતુ ટ્રેનના કાચ પર તિરાડો પડવાને કારણે આ કાચને તોડીને નીકાળીને ફરી નવો કાચ લગાવવાનો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો વધુ એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા 10 સપ્ટેમ્બર, 2024 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, “વીડિયોમાં દેખાઈ રહેલો યુવક ટ્રેનને નુકસાન નથી કરી રહ્યો, તે કાચ તોડી રહ્યો છે જે પહેલાથી જ ક્ષતિગ્રસ્ત છે અને તેને રિપેર ડેપોમાં નવા કાચને બદલવા માટે તોડવામાં આવી રહ્યો છે, કાચને પહેલા તોડવો પડશે કારણ કે તે ટ્રેનની બૉડી સાથે એકદમ ચોંટેલો હોય છે.”
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, “આ રેલવે દ્વારા કોન્ટ્રાક્ટના ધોરણે નિયમિત રિપેરિંગ કામ કરવામાં આવે છે. જો કે રેલવે કામ દરમિયાન વીડિયો લેવા પર પ્રતિબંધ છે. તેમ છતાં, કોન્ટ્રાક્ટ વર્કર જેણે વીડિયો બનાવ્યો હતો તેણે પહેલાં તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને પછી અન્ય લોકોએ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ સિવાય કેટલાક લોકો તેને ધર્મનો રંગ આપીને બિનજરૂરી અફવાઓ ફેલાવી રહ્યા છે.”
અમારી વધુ તપાસમાં અમને ઇન્ડિયા ટુડે દ્વારા 13 સપ્ટેમ્બર, 2024ના રોજ પ્રકાશિત થયેલ અહેવાલ પરથી એ જાણવા મળ્યું હતું કે, “વંદે ભારતનો વીડિયો ગુજરાતના કાંકરિયા ખાતેના ડેપોમાં સમારકામ દરમિયાન લેવામાં આવેલો છે. વીડિયો કોમી એંગલથી વાઇરલ કરવામાં આવ્યો છે.”
અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, “(વીડિયો વાઇરલ કરનાર) એકાઉન્ટ બિહારના આરાના રહેવાસી મનીષ કુમારનું છે. મનીષ કુમાર હાલમાં અમદાવાદમાં છે અને રેલવેમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વંદે ભારત ટ્રેનનો કાચ તોડી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના કાંકરિયા ખાતેના ડેપોમાં સમારકામ દરમિયાન લેવામાં આવેલો છે. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
|